Main Menu

ખેડૂતો માટેના બીજા વીજકનેકશનની જાહેરાત માત્ર જાહેરાત રહી

અમરેલી, તા.રપ
ખાંભા પંથકના ખેડૂત અગ્રણી સુરેશભાઈ સાવલીયાએ પીજીવીસીએલનાં બીજા કનેકશન માટે ભાજપ સરકાર અન્‍યાય કરતી હોવાનું જણાવેલ છે.
એક નિવેદનમાં જણાવેલ છેકે,‘ગુજરાતના ખેડૂતો માટે સરકાર જાહેરાત કરે છે પણ તે ફકત જાહેરાત જ છે. તેનો સત્તાવાર અમલ થતો નથી.’ એક સર્વે નંબરમાં ખેતીવાડીનું એક કનેકશન હોય અને બીજુ કનેકશનની જરૂર હોય તો આપવાની જાહેરાત બે માસ પહેલા ગુજરાત સરકારે મીડીયા અને ન્‍યુઝ પેપરમાં કરી છે કે ખેડૂતોને એક સર્વે નંબરમાં એક કનેકશન ચાલુ હશે તો બીજુ કનેકશન મળશે અને જે લોડ ધરાવતા હોય તેની સામે અલગ – અલગ જગ્‍યાએ બે મોટરો ચલાવી શકશે. તેવી જાહેરાત સરકારે કરી તેને જોઈ સ્‍થાનિક ભાજપના નેતાઓએ પણ છાપાઓમાં ખુબજ નિવેદનો જશ લેવા કરેલા. પણ પીજીવીસીએલની કોઈ ઓફીસમાં આ બાબતનો સરકયુલર બે મહીના થવા છતાં આપેલ નથી. જેથી ખેડૂતો આ બાબતે જે તે સ્‍થાનિક ઓફીસોમાં કનેકશન મેળવવા પુછવા જાય તો દરેક ઓફિસમાં એવું જ કહે છે કે ઉપરથી પરિપત્ર આવ્‍યો નથી. જેથી ખેડૂતોનો કનેકશન મેળવવામાં ક્રમ આવ્‍યો હોય તો પણ સતાવાર પરિપત્ર સરકારે નહી આપતા ખેડૂતોની માંગણી રદ્‌ થઈ જાય છે. અને કોઈ ખેડૂતને એક સર્વે નંબરમાં બીજુ કનેકશનની નવી માંગણી મુકવી હોય તો લેતા નથી. જેથી સરકારે કરેલી જાહેરાત ચુંટણી લક્ષી હોય અને ખેડૂતોને કોણીયે ગોળ ચોંટાડયો હોય તેવો અનુભવ અત્‍યારે ગુજરાતના ખેડૂતો કરી રહયા છે. અને હેરાન થાય છે. સરકારેખરેખર ખેડૂતોના હીત માટે જાહેરાત કરી હોય તો સત્તાવાર રીતે જે તે ઓફિસોને પરિપત્ર તુરત પાઠવવા અને જાહેરાત મુજબ પીજીવીસીએલની દરેક ઓફીસોમાં અમલ થાય તેવી ખેડૂત સમુદાયની માંગણી ઉઠી છે.

Source: Amreli Express