અમરેલીનાં વેપારીની આંખમાં ધૂળ નાખીને આંખનાં તબીબે છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કર્યો

અમરેલી, તા.ર4
અમરેલીનાં ટાવર રોડ ઉપર આવેલ એક તેલ-ખાંડ, ચોખા વિગેરેના જથ્‍થાબંધ વેપારીને ત્‍યાં એક આંખના ડોકટરે આવી અને પોતાની આગવી છટાથી આ વેપારી પેઢીના સંચાલકને વાતોમાં ભોળવી જઈ અને તેઓએ અમરેલીની વિવિધ સંસ્‍થાઓમાં તેલ, ખાંડ જેવી વસ્‍તુઓ આપવાના બહાને રૂા. 1,63,900 રૂપિયાનો માલ ખરીદી અને અમરેલીની સૌથી સારી સંસ્‍થામાં માલ મંગાવી રૂા. 1,63,900નો ચેક આપી અને માલ અમરેલીની જરૂરિયાતમંદ સંસ્‍થાને આપવાના બદલે બારોબાર ભરીને જતો રહેલ અને વેપારીએ ચેક બેન્‍કમાં નાખતા આ આંખના ડોકટરનો ચેક પરત ફરતાં આ બનાવમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર અમરેલીમાં ટાવર પાસે આવેલ ઠા. ભોગીલાલરામજીભાઈ અટારા નામની દુકાનમાં થોડા સમય પહેલા મુંબઈ ગામે રહેતા અને અગાઉ આણંદ તાલુકાનાં ચીખોદરા ગામે આંખની હોસ્‍પિટલ ધરાવતા ઉમેશ વિનોદરાય ત્રિવેદી નામનો શખ્‍સ આવી અને મીઠી મીઠી વાતો કરી મારે અમરેલીની જરૂરિયાતમંદ વિવિધ સંસ્‍થાઓમાં ખાંડ અને તેલ વિનામૂલ્‍યે આપવા છે તેવી વાતો કરી અને તેમણે આ વેપારી પેઢીના સંચાલક પાસેથી તેલના ડબ્‍બા નંગ-પ0 કિંમત રૂા. 61,400 તથા ખાંડ કટ્ટા નંગ-પ0 કિંમત રૂા. 1,0ર,પ00 મળી કુલ રૂા. 1,63,900નો મુદામાલ ખરીદી અને અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં આવેલ ભભદીકરાનાં ઘરભભ નામની સંસ્‍થામાં મોકલી આપવા જણાવતાં આ વેપારીએ તે પ્રમાણે ત્રણ જેટલી ભાર રીક્ષામાં તેલ, ખાંડ મોકલી આપેલ. જે માલની કિંમતના ચેક આ ઠગ ડોકટરે લખી આપતા આ વેપારી પેઢીના સંચાલકે નિયમ મુજબ ચેક બેન્‍કમાં નાખતા આ ચેક પરત ફર્યા હતા.
ઠગ ડોકટરે આપેલા ચેક પરત ફર્યા બાદ આ વેપારી પેઢીના સંચાલકને શંકા જતાં જે સંસ્‍થામાં માલ મોકલ્‍યો હતો તે સંસ્‍થામાં જઈ તપાસ કરતાં સંસ્‍થાના સંચાલકોએ જણાવેલ કે આ શખ્‍સે અહીં માલ ઉતાર્યા બાદ બીજા ટેમ્‍પોમાં તમામ માલ ભરી અને નાશી ગયેલ છે.
આ બનાવ અંગે ગઈકાલે મોડી રાત્રીના સીટી પોલીસ સ્‍ટેશનમાં પેઢીના સંચાલક અશોકભાઈ ધીરજલાલ અટારાએ ફરિયાદનોંધાવતા પોલીસે વેપારીની આંખમાં ધૂળ નાખનાર શખ્‍સની શોધખોળ આદરી છે.

Source: Amreli Express