Main Menu

ભાજપ સરકારને જગતાત ગણાતા ખેડૂતોની ચિંતા નથી

ભાજપ સરકારને જગતાત ગણાતા ખેડૂતોની ચિંતા નથી
કોંગ્રેસનાં યુવા અગ્રણી નિરવ મસરાણીનું આકરૂ નિવેદન
અમરેલી, તા. 8
કોંગ્રેસનાં યુવા નેતા નિરવ મસરાણીએ જણાવ્‍યું છે કે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા. દરેક પક્ષોએ પોતપોતાની રીતે વાયદા-વચનો આપ્‍યા પણ તેમાં ઉડીને આંખે વળગે તેવી વાતો દેશમાં સત્તાધારી પક્ષના ભારતીય જનતાના મુખ્‍ય પ્રચારક વધુ અને પાર્ટ ટાઈમ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની હતી.
વધુમાં જણાવેલ છે કે, જુઠા વચનો અને સપનાઓ બતાવવામાં ભાજપ અને નરેન્‍દ્ર મોદી માહેર છે તે વાતમાં શંકાને કોઈ સ્‍થાન નથી અને દેશ પણ તે બાબતને 3 વર્ષના અનુભવ પછી સારી રીતે જાણી ગયો છે. જો કે વાયદાના નામે જુમલા પધરાવતા નરેન્‍દ્ર મોદી અને ભાજપ પક્ષને ચૂંટણી મંચ પર બોલવાની કોઈ સીમા રહેતી નથી તેમજ આગળ જતાં તેના પર ઉઠનારા પ્રશ્‍નો વિશે વિચારતા પણ નથી.
વધુમાં જણાવેલ છે કે, પોકળ વાયદાઓ અને મોટી મોટી વાતોની ભરમાર વચ્‍ચે ઉત્તરપ્રદેશમાં નરેન્‍દ્ર મોદીએ જો ભાજપ પક્ષ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણીસભામાં જનતાને સંબોધતા કરી. સાવરકુંડલા તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી નરેન્‍દ્ર મોદી તેમજભાજપ પક્ષને જવાબ આપવાના પડકાર સાથે પ્રશ્‍ન કરૂ છું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ? અરે બીજે બધે નહી તો સાવરકુંડલાના ખેડૂતોની આજે પરિસ્‍થિતિ જોવો. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ત્રણ વર્ષથી દાઝેલા ખેડૂતોને નોટબંધી કરી નરેન્‍દ્ર મોદીએ ડામ દેવાનું કામ કર્યુ છે તો ત્‍યારબાદ પણ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ તો દુર પડતરથી પણ ઓછા ભાવ આપીને ભાજપ સરકાર ઘ્‍વારા તેમના પ્રત્‍યે ક્રુરતાભર્યુ વલણ અખત્‍યાર કરવામાં આવી રહૃાું છે.
વધુમાં જણાવેલ છે કે, ગુજરાતમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે ઉદ્યોગપતિઓને નહી પણ જગતના તાત તેવા ખેડૂતોને સૌથી વધુ મહત્‍વ આપવામાં આવતું હતું. વીજળી-પાણીથી લઈ દરેક સુવિધામાં ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. કેન્‍દ્રની મનમોહનસિંહની યુપીએ સરકારે દેશના ખેડૂતોનું 7ર હજાર કરોડનું દેવું માફ કર્યુ હતું. જયારે હવે ભાજપના શાસનમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી થતી જઈ રહી છે. ખાતર ઉપર પણ વેટ લેવાતો હોય તેવું ગુજરાત દેશનું એકમાત્ર રાજય છે. છૂટી છવાઈ ગણતરીના કલાકો પુરતી વીજળી, પુરતું પાણી નહી અને ખેડૂતો જાણે ચોર હોય તેમ કેનાલો પર પોલીસ ફોર્સ તૈનાત કરવી જેવા કૃત્‍યો કરી ભાજપે જગતનાતાતનું હળહળતું અપમાન કર્યુ છે. ભાજપની સરકારને પડકારતા નિરવ મસરાણીએ જણાવ્‍યું છે કે, જયાં જગતનો તાત કિસાન અને જવાન દુઃખી હોય ત્‍યાં અચ્‍છાભલા શાસકોની ખુરશીના પાયા ડગમગી જતાં હોય છે અને જનતાને હેરાન-પરેશાન કરવાની હદ વટાવી ચુકેલી ભાજપ સરકારની ખુરશીના પાયા હવે મૂળથી ઉખડી ગયા છે.
વધુમાં જણાવેલ છે કે, ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને દેવા માફ કરવાના અને ખેડૂતોને જાતજાતના વચનો આપી રહેલી ભાજપના યુપીએ સરકાર વખતે કેન્‍દ્રના અન્‍યાયના ગાણા ગાતા અને રોદણા રોતા ગુજરાતના આગેવાનો તેમજ ગુજરાત સરકારના કૃષિમંત્રી હવે જયારે ગુજરાતમાં ખેડૂતો બદતર પરિસ્‍થિતિમાં છે ત્‍યારે કેમ કેન્‍દ્ર સરકારને ખેડૂતો માટે રજૂઆત કરવા જતા નથી અને કેન્‍દ્રની ભાજપની મોદી સરકાર ગુજરાતના ખેડૂતોને અન્‍યાય કરી રહી છે ત્‍યારે કેમ મોઢા સીવીને બેસી ગયા છે. હવે કયા ગયા છે ર014 સુધી બુમાબુમ કરતા ભાજપના તે નેતાઓ ? તેવો પ્રશ્‍ન કરતા નિરવ મસરાણીએ કૃષિમંત્રી અને ગુજરાતના ભાજપના આગેવાનોને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ.
વધુમાં જણાવેલ છે કે, પ્રજાના મત લઈને ચૂંટાયેલા આ ભાજપના કહેવાતા નેતાઓ હવે પ્રજાનો વિશ્‍વાસ ખોઈ બેઠા છે, સાદગીની વાતો કરનારા ભાજપના નેતાઓ પ્રજાને રસ્‍તા પર લાવી પોતેમાલામાલ થઈ ગયા છે તેમ જણાવે હવે ગુજરાતમાં દરેક વર્ગ ભાજપથી નારાજ છે અને તેના પરિણામ સ્‍વરૂપ પાટીદારો, દલિતો, ઓબીસી સમાજ સહિત ખેડૂતો, આશાવર્કરો, ફિકસ વર્કરો સહિત દરેક ક્ષેત્રનાં લોકો ખુલીને ભાજપ સરકાર સામે રસ્‍તા પર ઉતર્યા છે.
વધુમાં જણાવેલ છે કે, પહેલા અનામત માંગવા નીકળેલા પાટીદાર યુવાનો પર ગોળીઓ અને લાઠીઓ વરસાવી, બાદમાં દલિતો પર પોલીસ સ્‍ટેશનની સામે અત્‍યાચાર ગુજારવામાં આવ્‍યો, ઓબીસી સમાજને તેમના હકક ન મળતા તેઓ સંગઠિત થઈને ભાજપ સામે પડયા, આંગણવાડીની મહિલાઓ પર અત્‍યાચાર થયા, ફિકસ પગારદારોને લોલીપોપ આપવામાં આવે અને સાણંદમાં તો રજૂઆત કરવા જઈ રહેલા ખેડૂતો આતંકવાદી હોય તેમ તેમની ઉપર દમન ગુજારવામાં આવ્‍યું. છતાંય પોતાના ખિસ્‍સા ભરીને અને ભરવા બેઠલા ભાજપના નેતાઓને જે પ્રજાએ તેમને મત આપ્‍યા છે તેમના પર આટ આટલું થવા છતાં પેટનું પાણીના હલ્‍યું અને સત્તાસુખ માણતા રહૃાા છે.
અંતમાં જણાવેલ છે કે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા દાંતવાળા ભાજપ હવે ઉઘાડી પડી ગઈ છે, વિકાસના નામે વાતો અને વચનો આપવા સિવાય કશું કર્યુ નથી, સદભાવના મિશન દરમિયાન આપેલા વચનો હોય કે લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ ટાણે આપેલા વચનો હોય… ભાજપ માટે તે ઉલ્‍લુબનાવવાની સ્‍કીમોથી વિશેષ કશું જ નથી. ભય, ભૂખ અને ભ્રષ્‍ટાચારથી ભરેલી આ ભાજપ સરકારની ર017માં ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે અને સાવરકુંડલાની જનતા પણ ભાજપને રવાના કરવાની તકની રાહ જોઈને જ બેઠી છે તેવું અંતમાં જણાવ્‍યું હતું.

Source: Amreli Express