Main Menu

Saturday, November 26th, 2016

 

કોંગ્રેસનાં ચકકાજામ કાર્યક્રમમાં હું, તું અને રતનીયો

અમરેલી, તા. રપ
અમરેલી જિલ્‍લામાં આજે પ્રદેશ કોંગ્રેસની સુચનાથી ઠેકઠેકાણે ચકકાજામ કાર્યક્રમ યોજાયો હતો. જે મોટા ભાગનાં વિસ્‍તારોમાં સદંતર ફલોપ સાબિત થયો હતો અને જનતાની મુશ્‍કેલી દુર કરવાનાં નામે કોંગ્રેસ પક્ષ મુશ્‍કેલીમાં વધારો કર્યો હતો.
અમરેલીનાં નાગનાથ ચોકમાં આજે સવારે માત્ર એક ડઝન જેટલા કોંગી આગેવાનો ચકકાજામ કરવા મોટા ઉપાડે નીકળ્‍યા હતા અને થોડી જ ક્ષણોમાં કાર્યક્રમ પૂર્ણ કરવાની ઔપચારિકતા દર્શાવવામાં આવી હતી. કોંગી આગેવાનો કરતા પોલીસનું સંખ્‍યાબળ વધારે જોવા મળ્‍યુ હતુ.
એક તરફ અમરેલી જિલ્‍લાની જનતા ચલણી નોટની તંગીની મુશ્‍કેલી અનુભવી રહી છે તેવા જ સમયે કોંગ્રેસ પક્ષે જનતાની મુશ્‍કેલી દુર કરવાને બદલે એસ.ટી. રોકીને મુસાફર વર્ગને મુશ્‍કેલીનો સામનો કરવા મજબુર કરી હતી.
દેશમાં 6 દાયકા સુધી શાસન કરવામાં નિષ્‍ફળ રહેલ કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષને લાયક રહયો નથી. સમગ્ર દેશમાં ભાજપની પ્રગતિ થવા પાછળ કોંગ્રેસની અણઆવડત અને બેદરકારી જ કારણભુત સાબિત થઇ રહી છે.
અમરેલી જિલ્‍લાનાં કોંગી આગેવાનો આપસી મતભેદ અને અહંકાર છોડીને જનહિતના કાર્યો કરે નહિં તોજિલ્‍લાની જનતા વિરોધપક્ષ તરીકે પણ લાયક રહેવા નહિં દે તેવું લાગી રહયું છે.

Source: Amreli Express


ખેડૂતો માટેના બીજા વીજકનેકશનની જાહેરાત માત્ર જાહેરાત રહી

અમરેલી, તા.રપ
ખાંભા પંથકના ખેડૂત અગ્રણી સુરેશભાઈ સાવલીયાએ પીજીવીસીએલનાં બીજા કનેકશન માટે ભાજપ સરકાર અન્‍યાય કરતી હોવાનું જણાવેલ છે.
એક નિવેદનમાં જણાવેલ છેકે,‘ગુજરાતના ખેડૂતો માટે સરકાર જાહેરાત કરે છે પણ તે ફકત જાહેરાત જ છે. તેનો સત્તાવાર અમલ થતો નથી.’ એક સર્વે નંબરમાં ખેતીવાડીનું એક કનેકશન હોય અને બીજુ કનેકશનની જરૂર હોય તો આપવાની જાહેરાત બે માસ પહેલા ગુજરાત સરકારે મીડીયા અને ન્‍યુઝ પેપરમાં કરી છે કે ખેડૂતોને એક સર્વે નંબરમાં એક કનેકશન ચાલુ હશે તો બીજુ કનેકશન મળશે અને જે લોડ ધરાવતા હોય તેની સામે અલગ – અલગ જગ્‍યાએ બે મોટરો ચલાવી શકશે. તેવી જાહેરાત સરકારે કરી તેને જોઈ સ્‍થાનિક ભાજપના નેતાઓએ પણ છાપાઓમાં ખુબજ નિવેદનો જશ લેવા કરેલા. પણ પીજીવીસીએલની કોઈ ઓફીસમાં આ બાબતનો સરકયુલર બે મહીના થવા છતાં આપેલ નથી. જેથી ખેડૂતો આ બાબતે જે તે સ્‍થાનિક ઓફીસોમાં કનેકશન મેળવવા પુછવા જાય તો દરેક ઓફિસમાં એવું જ કહે છે કે ઉપરથી પરિપત્ર આવ્‍યો નથી. જેથી ખેડૂતોનો કનેકશન મેળવવામાં ક્રમ આવ્‍યો હોય તો પણ સતાવાર પરિપત્ર સરકારે નહી આપતા ખેડૂતોની માંગણી રદ્‌ થઈ જાય છે. અને કોઈ ખેડૂતને એક સર્વે નંબરમાં બીજુ કનેકશનની નવી માંગણી મુકવી હોય તો લેતા નથી. જેથી સરકારે કરેલી જાહેરાત ચુંટણી લક્ષી હોય અને ખેડૂતોને કોણીયે ગોળ ચોંટાડયો હોય તેવો અનુભવ અત્‍યારે ગુજરાતના ખેડૂતો કરી રહયા છે. અને હેરાન થાય છે. સરકારેખરેખર ખેડૂતોના હીત માટે જાહેરાત કરી હોય તો સત્તાવાર રીતે જે તે ઓફિસોને પરિપત્ર તુરત પાઠવવા અને જાહેરાત મુજબ પીજીવીસીએલની દરેક ઓફીસોમાં અમલ થાય તેવી ખેડૂત સમુદાયની માંગણી ઉઠી છે.

Source: Amreli Express